Zarukhe Diva
Zarukhe Diva by Isha Kundanika અનેક કંપનીઓનો માલિક, સફળ કહેવાતો એક મોટો ઉદ્યોગપતિ માનસિક તાણ, થાક, અનિદ્રાના રોગ માટે ડૉક્ટર પાસે આવ્યો. ‘મને બહુ કામ રહે છે. ફાઈલોનો આ થોકડો જુઓ. રાતે ઘેર જઈને બધું કામ કરવું પડશે.’ ‘તમને મદદ કરનાર કોઈ નથી ?’ ‘ના, આ તો ફક્ત હું જ કરી શકું તેમ છે. એ એકદમ બરોબર થવું જોઈએ. આજે રાતે એ પૂરું થવું જ જોઈએ અને એ માત્ર હું એકલો જ કરી શકું.’ ડૉક્ટરે દવા લખી આપી : ‘કામના રોકાણ વચ્ચેથી રોજ બે કલાક કાઢી દૂર સુધી ફરવા જવું અને અઠવાડિયામાં એક વાર અડધો દિવસ છુટ્ટી લઈ કબ્રસ્તાનમાં એ સમય ગાળવો.’ ‘કબ્રસ્તાનમાં શા માટે ? એટલો બધો સમય મારે કબ્રસ્તાનમાં શું કામ બગાડવો ?’ ‘જેથી તમે જાણી શકો કે ત્યાં જેઓ સૂતા છે, તેઓ તમારી જેમ જ વિચારતા હતા કે આખી દુનિયાનો ભાર તેમના ખભા પર છે. ખ્યાલ કરજો કે તમારો ત્યાં નિત્ય નિવાસ થશે ત્યારે પણ દુનિયા તો ચાલતી હતી તેમ ચાલતી જ રહેશે, અને તમે બહુ મહત્વની વ્યક્તિ હો તોપણ, જે કામ તમે ધારો છો કે તમે એકલા જ કરી શકો, તે બીજાઓ કરશે.’ -( ઝરુખે દીવા-ઈશા કુન્દનિકા કાપડિયા પુસ્તક માંથી ) |