Krushnam Sharanam Gachchami


Krushnam Sharanam Gachchami

Rs 798.00


Product Code: 10854
Author: Gunvant Shah
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 2010
Number of Pages: 365
Binding: Soft
ISBN: 9789380868684

Quantity

we ship worldwide including United States

Krushnam Sharanam Gachchami by Gunvant Shah

માધવ ક્ષણે ક્ષણે મધુવનમાં - સંપાદક ડો.મનીષા મનીષ.

ઓશોએ ‘કૃષ્ણ સ્મૃતિ’ નામનાં દળદાર પુસ્તકમાં કહ્યું છેઃ ‘જીવનમાં કશાયથી ભાગવાનું નથી અને જીવનમાં કશાયને છોડવાનું નથી. જીવનનો પૂર્ણ સ્વીકાર કરીને જીવવાનું છે. આ જાગૃતિની સાથે ક્રમશઃ  ભવિષ્યમાં કૃષ્ણની સાર્થકતા વધતી જવાની. વર્તમાન આપણને સતત એ ભવિષ્ય તરફ લઈ જઈ રહ્યું છે જેમાં કૃષ્ણની છબી વધુને વધુ નિખરતી જશે.’

... અને એટલે જ કૃષ્ણ સાથે આજનો યુવાન શક્ય તેટલી વધારે નિકટતા કેળવે તે ઈચ્છનીય છે. ડો. મનીષા મનીષે સંપાદિત કરેલાં ગુણવંત શાહનાં પુસ્તક ‘કૃષ્ણં શરણં ગચ્છામિ’નો આ જ એટિટ્યુડ છે. ગુણવંત શાહ રચિત ‘કૃષ્ણનું જીવનસંગીત’ અને ‘સંભવામિ યુગયુગે’ જેવાં પુસ્તકો ઓલરેડી ખૂબ વખણાઈ ચૂક્યાં છે. પ્રસ્તુત પુસ્તકને તમે આ  શૃંખલાની એનર્જેટિક કડી કહી શકો. પુસ્તકના પહેલા ભાગમાં છેલ્લાં ૨૦ - ૩૦ વર્ષોમાં લખાયેલા કૃષ્ણલેખો છે, બીજા હિસ્સામાં સંપાદિકા સાથે થયેલી સંવર્ધિત પ્રશ્નોત્તરી છે અને અંતિમ ભાગમાં પદ્યમય ગદ્યખંડો છે.

લેખક કહે છે, ‘જેમ જેમ માણસ યંત્રવત થતો જાય છે, તેમ તેમ એની જાત સાથેની મૈત્રી ઘટતી જાય છે. સહજ હોવું એટલે કૃષ્ણની સમીપે હોવું. કૃષ્ણની સમીપે હોઈએ ત્યારે દોષ ટકી જ ન શકે. સહજ હોવું એટલે માંહ્યલાના કહ્યામાં હોવું.’

આજના જમાનાના મહારોગ એવા ડિપ્રેશનનું એક મોટું કારણ માણસ માંહ્યલાના કહ્યામાં રહી શકતો નથી,  એ હશે? ગુણવંત શાહ કહે છે, ‘ડિપ્રેશન આખરે શું છે? એ સ્વ-ધર્મ ભૂલેલા, સ્વ-રૂપનું ભાન ગુમાવી બેઠેલા અને સ્વ-ભાવથી ભિન્ન એવા વ્યવહારભાવને ધારણ કરનારા નગરમાનવનો વિષાદ છે અને એ વિષાદનું કુળ અને મૂળ ‘અર્જુનવિષાદયોગ’ છે... ડિપ્રેશનને વેડફી મારવામાં ડહાપણ નથી. વિસ્મયની માફક જ વિષાદ પણ તત્ત્વજ્ઞાનની જન્મભૂમિ બની શકે છે.’

લેખક  તો ત્યાં સુધી કહે છે કે હૃદય લગભગ વલોણું બની જાય એવો ઘેરો વિષાદ જીવનમાં પ્રત્યેક માનવીને મળવો જ જોઈએ. તેઓ ઉમેરે છેઃ ‘લાગણીઓનું ઘમ્મર વલોણું પણ એક આધ્યાત્મિક ઘટના છે. જીવનગીતા કદી વિષાદયોગ વગર જામતી નથી. વિષાદ માટે પ્રયત્ન કરવો પડતો નથી. જીવનમાં ગમે ત્યારે ત્રણ દુર્ઘટનાઓ ગમે તે દિશામાંથી આવી પડે છેઃ (૧) સ્વજન કે પ્રિયજનનું અણધાર્યું મૃત્યુ, (૨) અત્યંત પ્રિય પાત્ર તરફથી થયેલી દગાબાજી, (૩) કોઈ ભયંકર રોગ ઓચિંતો પેધો પડે.’


કૃષ્ણ શબ્દ ‘કૃષ્’ ધાતુ પરથી આવ્યો છે. ‘કૃષ્’ એટલે વશ કરવું, જીતી લેવું, આકર્ષવું. જે સૌને આકર્ષે છે તે કૃષ્ણ છે. એક જગ્યાએ ગુણવંત શાહ કહે છે, ‘ જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગ મળીને જીવનયોગનું જે સૌંદર્ય પ્રગટ થાય, તેમાં કૃષ્ણની મૌલિક જીવનમીમાંસાનો સાર આવી જાય છે. કૃષ્ણની ખૂબીને સમજવા માટે આજની મેનેજમેન્ટની પરિભાષામાં પ્રયોજાતો ‘સીનર્જી’ શબ્દ બરાબર સમજી લેવો પડશે. સાદી ભાષામાં સીનર્જી એટલે બે વત્તા બે બરાબર પાંચ. આવો જાદુ શી રીતે શક્ય બને? જવાબ છેઃ ‘સીનર્જી’. જ્ઞાન, કર્મ અને ભક્તિ વચ્ચે પણ સિનર્જેટિક રિલેશનશિપ રહેલી છે.’

ભક્તિની બે રૂપાળી વ્યાખ્યાઓ આ પુસ્તકમાંથી જડી આવે છે  ‘પરિણામનો સહજ સ્વીકાર એ જ ભક્તિ’ અને  ‘ભક્તિ એટલે ઈમોશનલ ઈન્ટેલિજન્સ’!  કૃષ્ણને ગુણવંત શાહ ‘વિશ્વના આદ્ય મેનેજમેન્ટ ગુરુ’નું બિરુદ આપે છે. સંપાદિકા ડો. મનીષા મનીષ તેમનાં પુત્રી થાય. તેઓ ‘ચિત્રલેખા’ને કહે છે, ‘મારી અને ભાઈની વચ્ચે એક કોમન લિન્ક છે  ફિલોસોફી. (પપ્પાને હું ‘ભાઈ’ કહીને સંબોધું છું.) એકવાર મારે પિયર ગઈ હતી ત્યારે મારા હાથમાં બાએ કાળજીપૂર્વક સાચવી રાખેલી ફાઈલો આવી, જેમાં ભાઈના જૂના લેખોનાં કટિંગ્સ હતાં.  શરૂઆતમાં તો હું તેને સ્કેન કરીને ઈફોર્મ આપવા માગતી હતી, પણ જેમ જેમ લખાણ વાંચતી ગઈ અને મારી રીતે નોંધ કરતી ગઈ તેમ તેમ સ્પષ્ટ થવા લાગ્યું કે આમાંથી કૃષ્ણ વિશેનું હજુય વધુ એક પુસ્તક સર્જાઈ શકે તેમ છે.  મનમાં નવા સવાલો પણ જાગી રહ્યા હતા. હિંચકામંથન કરતાં કરતાં હું ભાઈને કૃષ્ણ વિશે સવાલો પૂછતી જાઉં અને તેઓ મને ઉત્તર આપતા જાય.’

સંપાદિકા લેખકને પૂછી શકે છે કે વિયોગિની રાધા સાથે દગો થયો એમ નથી લાગતું? અથવા તો, ‘આર્ગ્યુમેન્ટેટિવ ઈન્ડિયન’ એવો અર્જુન જો કૃષ્ણનો સખા હતો તો એ કૃષ્ણને શરણે કેમ ગયો? શું એક મિત્ર બીજા મિત્રને શરણે જાય ખરો?  કે પછી, ક્રિકેટક્ષેત્ર અને કુરુક્ષેત્ર વચ્ચે શો સંબંધ?

ખરેખર તો સંપાદિકા લોજિક અને રિઝનિંગથી જ રિઝાઈ શકતી નવી પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે. એમની પ્રશ્નોત્તરીવાળો વિભાગ પુસ્તકનો સૌથી જીવંત હિસ્સો બની શક્યો છે.  બાકી આજનો યુવાન ભગવદ્ગીતા શા માટે વાંચે એવા સવાલનો લેખકને એક જ જવાબ જડે છે અને તે એ કે, ‘પોતાના જીવનની સમસ્યાઓનો ઉકેલ જો ગીતામાંથી મળી શકે તો જ તેઓ એને વાંચવા વારંવાર તૈયાર થાય. મને તો લાગે છે કે આ જ કારણસર, માત્ર આ જ કારણસર હું આ ગ્રંથ વાંચવાની તસ્દી લઉં છું. આપણે કૃષ્ણને રાજી કરવા માટે ગીતાનો અભ્યાસ નથી કરવાનો, પણ આપણા જીવનમાં પ્રસન્નતા પાંગરતી રહે તે માટે કરવાનો છે.’

આ પુસ્તકનું એકેએક પાનું, એકેએક ફકરો ક્વોટેબલ ક્વોટ્સથી માલામાલ છે. તેમાંથી શું ટાંકવું ને કેટલું ટાંકવું! ગુણવંત શાહના મૌલિક ચિંતનમાં પારદર્શિતા છે અને અભિવ્યક્તિમાં હળવાશ છે. મંચ પર બિરાજમાન થઈને ઉપદેશ ફટકારતા ભારેખમ મનુષ્યપ્રાણીની મુદ્રાથી તેઓ જોજનો દૂર રહે છે. તેમની લોકપ્રિયતાનું આ એક મોટું કારણ છે.

જહેમતપૂર્વક તૈયાર થયેલી કૃષ્ણ-વકતવ્યોની સીડી સાથેનું ‘કૃષ્ણં શરણં ગચ્છામિ’ પુસ્તક જેટલું સમૃદ્ધ છે એટલું જ સ્માર્ટ  છે અને ગીતા સુધી પહોંચવાના માર્ગ પર મજબૂત હમસફર પૂરવાર થાય એવું છે. કૃષ્ણના ભક્તો જ નહીં બલકે કૃષ્ણ વિશે ઉત્સુકતા ધરાવતા તમામ વયના ભાવકો માટે તે ઉત્તમ વાંચન બની રહે છે.

Average Customer Rating:


2 Most useful customer reviews
VIVEK VACHHANI
Dec 28, 2018
This customer purchased the item at our site.
REALLY VERY NICE BOOK I READ THAT BOOK , I THINK THAT IS VERY KNOWLEAGEABLE BOOK FOR KRISHNA LOVER.. FINALLY I FINISHED BOOK THAT IS GOOD TO REACH KRISHNA . AFTER ONE TIME READ I THINK READ AGAIN.
Loading...Was the above review useful to you? Yes (0) / No (0)
VIVEK VACHHANI
Oct 27, 2018
This customer purchased the item at our site.
one of the best book, that is neccesary read book one time in your life.
Loading...Was the above review useful to you? Yes (0) / No (0)